એક અદભુત રહસ્ય… ગર્ભસંસ્કાર (દાનવ ના ઘરે ભક્તનો જન્મ)

એક જૂની અને જાણીતી કહેવત છે કે “વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા”. જો માતા ધારે તો આ કહેવત ને પણ ખોટી પાડી શકે છે અને ઇતિહાસ ના ઘણા બધા પ્રસંગો એ વાત ની સાબિતી પુરી પાડે છે. માતાના મનોબળ અને ગર્ભાવસ્થામાં કરેલા સંસ્કારોના સિંચેને ખરેખર ચમત્કાર કરી બતાવ્યા છે. આ અનુસંધાનમાં, આજે આપણે વાત કરીશું બાળભક્ત પ્રહલાદની.

ભક્ત પ્રહલાદનો જન્મ દાનવકુળ માં થયો હતો એ વાતથી આપણે સૌ વાકેફ છીએ. દાનવકુળ માં જન્મ લેવા છતાં પણ તેમના બધા ગુણો દેવ જેવા હતા. એવું કેમ? શું કારણ છે જેણે દાનવકુળમાં જન્મેલા પ્રહલાદને દેવ જેવા ગુણોના સ્વામી બનાવ્યા? જવાબ છે “ગર્ભસંસ્કાર”. ગર્ભસંસ્કાર એટલે ગર્ભસ્થ સ્ત્રી દ્વારા બાળકને ગર્ભમાંજ કરેલું સંસ્કારોનું સિંચન.

ગર્ભાવસ્થા દરમિયાન ભક્ત પ્રહલાદના માતૃશ્રી કયાધુ નારદમુનિના આશ્રમમાં રહેતા હતા. તેમનો સમગ્ર સમય ભગવાન નારાયણ ના મંત્ર જાપઃ અને પ્રભુની કથાઓ સાંભળવામાં વ્યતીત થતો હતો. આશ્રમમનું વાતાવરણ ખુબજ ભક્તિમય અને આહલાદક હતું.ભોજન પણ શુદ્ધ અને સાત્વિક હતું. આવા ભક્તિમય વાતાવરણની અસર તેમના ગર્ભસ્થ શિશુ પર પડી જેના ફળસ્વરૂપ ભક્ત પ્રહલાદમાં ભક્તિના બીજ રોપાયા અને ભારતવર્ષને શ્રેષ્ઠ ભક્ત ની ભેટ મળી.સગર્ભા સ્ત્રી જેવા વાતાવરણ માં રહે છે અને જેવું ચિંતન કરે છે એની તેના બાળક પર કેટલી હદે અસર પડે છે એ સમજવવા માટે નું આ ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. “ગર્ભસંસ્કાર” ના કારણેજ કદાચ રાક્ષસ હિરણ્યકશ્યપનો પુત્ર ભક્ત પ્રહલાદ દેવતુલ્ય કહેવાય છે.ખરેખર, ગર્ભાવસ્થા દરમિયાન દરેક સ્ત્રી બાળકના શારીરિક વિકાસની સાથે-સાથે માનસિક વિકાસની પણ કાળજી રાખે તો નેવું વર્ષ નું કામ નવ મહિનામાં જ થઇ જાય અને તે ધારે તેવી દિવ્ય આત્માને જન્મ આપીને આ વિશ્વને એક ઉત્તમ સંતાનની ભેટ આપી શકે છે.

Add a Comment

You must be logged in to post a comment